Anilkumar Rathwa (Sameer) 11 Apr 2026 ग़ज़ल समाजिक ચતુર્થ વાનર: એક વિષાદ 2458 0 Gujarati :: ગુજરાતી
ત્રણ હતા તે તત્ત્વદર્શી, મૌનનો મહિમા હતા, ચોથો આવ્યો તે જગતનો, કેવો આ વિપર્યાસ થયો? નયન મીંચીને બેઠા'તા તે, અશુભ નજરે ના ધરે, આ તો લોચન ખુલ્લા રાખી, અંધાપો વહોરી રહ્યો. શ્રવણદ્વારે બાધ રાખ્યો'તો, અસત્ય ના સાંભળવા, આ તો ઘોંઘાટની ભીડમાં, મૌનને પણ ખોઈ રહ્યો. વાણીમાં સંયમ ધરીને, સત્યના જે પથ પર હતા, આ તો આંગળીના ટેરવે, શબ્દોનું મૂલ્ય ધોઈ રહ્યો. નથી કોઈની સ્મૃતિમાં, નથી કોઈના સાથમાં, કાચના એક ટુકડામાં, આખો જન્મારો રોઈ રહ્યો. હતો માનવ મનનશીલ, હતો સંબંધોનો ધણી, આજે અચેતન યંત્રના, પાશમાં એ ખોવાઈ રહ્યો.