Anilkumar Rathwa (Sameer) 09 Oct 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 3920 0 Hindi :: हिंदी
સત્યના હોઠો ઉપર તાળું અહીં દેખાય છે, જૂઠના દરબારમાં કેવો દીવો પ્રગટાય છે! બોલનારા સત્યને ઊભા રખાયા પાંજરામાં, સાક્ષી જૂઠા જે હતા, એનો જ યશ ગવાય છે. જેમના વેચાઈ બેઠા છે વિચારો ક્યારના, એમના મુખથી જ ક્રાંતિનો ધ્વનિ રેલાય છે. પાત્રતા ઊભી રહે છે દ્વાર પર લાચાર થઈ, ઓળખાણોના સહારે તખ્ત પણ સોંપાય છે. આપતા’તા જે કદી સિદ્ધાંતનાં ભાષણ બધે, આજ સત્તા પામવા એ ખુદ અહીં વેચાય છે. પ્રશ્ન જે પૂછે, ગુનેગાર એ ગણાયો આંખમાં, આંધળા ચાલે વળી એ જ્ઞાનીમાં ખપાય છે. સ્વાર્થ પૂરો થાય તો સંબંધ પણ વિસરાય છે, માનવીનું મૂલ્ય ક્યાં? ઉપયોગિતા મપાય છે! સાંભળે ના જે કદી અંતરતણો પાવન અવાજ, એ જ બીજાના ચરિત્ર ઉપર હવે તોળાય છે. શબ્દના શંખ ફૂંકીને શું કરું હું ઓ ‘સમીર’? ચેતના સૂતી રહે તો અર્થ ક્યાં સચવાય છે! જાગશે જ્યારે જનો, ત્યારે ઉતરશે આ નકાબ, નહિ તો ઇતિહાસમાં પસ્તાવો જ નોંધાય છે.